વચનામૃત વરતાલનું - ૧
સંવત ૧૮૮૨ના કાર્તિક સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તરાદિ કોરે ગોમતીજીને કાંઠે આંબાવાડિયામાં સિંહાસન ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા ને ધોળો સુરવાળ ને ધોળો અંગરખો પહેર્યો હતો અને ગૂઢા રંગનો રેંટો કમરે બાંધ્યો હતો ને માથા ઉપર કસુંબલ રેંટો સોનેરી તારના છેડાવાળો બાંધ્યો હતો ને ખભે કસુંબલ રેંટો જરકસી છેડાનો વિરાજમાન હતો ને કંઠને વિષે ગુલાબનાં પુષ્પના હાર વિરાજમાન હતા ને માથા ઉપર ગુલાબનાં પુષ્પના તોરા વિરાજમાન હતા ને ભુજાઓને વિષે ગુલાબના ગજરા ને બાજુબંધ બાંધ્યા હતા એવી શોભાને ધરતા થકા ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી વડોદરાવાળા શોભારામ શાસ્ત્રીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! મુમુક્ષુ હોય તે જ્યારે નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે તે ગુણાતીત થાય ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય ત્યારે જેને નિર્વિકલ્પ સમાધિ ન થાય તેની શી ગતિ થાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રાણનો નિરોધ થાય ત્યારે જ નિર્વિકલ્પ સમાધિ થાય એમ નથી, નિર્વિકલ્પ સમાધિની રીત તો બીજી છે તે કહીએ તે સાંભળો જે, શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે :
अत्र सर्गो विसर्गश्च स्थान पोषणमूतय: । मन्वंतरेशानुकथा विरोद्यो मुक्तिराश्रय: ।।
એ શ્લોકનો એમ અર્થ છે જે વિશ્વનાં સર્ગ-વિસર્ગાદિ જે નવ લક્ષણ તેણે કરીને જાણ્યામાં આવે એવું આશ્રયરૂપ જે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તેને વિષે જે મુમુક્ષુની અચળ મતિ થઈ, જેમ આ આંબાનું વૃક્ષ છે તે એક વાર દૃઢ કરીને જાણ્યું પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે તોપણ કોઈ રીતે આંબાને વિષે ભ્રાંતિ ન થાય જે આંબાનું વૃક્ષ હશે કે નહિ હોય. તેમ જેને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપનો દૃઢ નિશ્ચય થયો ને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય તો તે પુરુષના પ્રાણ લીન ન થયા હોય તોપણ નિર્વિકલ્પ સમાધિ છે ને પ્રાણ લીન થયા હોય તોપણ નિર્વિકલ્પ સમાધિ છે. (૧) અને જેને આ ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ-વિકલ્પ રહેતા હોય જે બ્રહ્મપુરને વિષે કેવું ભગવાનનું સ્વરૂપ હશે અને શ્વેતદ્વીપ ને વૈકુંઠને વિષે કેવું ભગવાનનું સ્વરૂપ હશે અને તે સ્વરૂપનું ક્યારે દર્શન થાશે એવી જાતના સંકલ્પ-વિકલ્પ કર્યા કરે, પણ પ્રગટ ભગવાન મળ્યા તેને જ સર્વના કારણ જાણીને તેણે કરીને જ પોતાને કૃતાર્થ ન માને અને એવાને જો દૈવ ઇચ્છાએ કરીને સમાધિ થાય તોપણ સંકલ્પ-વિકલ્પ મટે નહિ અને સમાધિમાં જે જે દેખાય તેથી નવું નવું જોવાને ઇચ્છે પણ મનના વિકલ્પ મટે નહિ એવો હોય તેને સમાધિ છે તોપણ સવિકલ્પ છે ને સમાધિ ન હોય તોપણ સવિકલ્પ છે, માટે એવો હોય તે ગુણાતીત એકાંતિક ભક્ત ન કહેવાય. અને જેને ભગવાનના સ્વરૂપનો દૃઢ નિશ્ચય હોય ને તેને સમાધિ છે અથવા નથી તોય પણ તેને સદા નિર્વિકલ્પ સમાધિ જ છે. (૨)
૨ પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે, (૨) મનના સંકલ્પ-વિકલ્પ ટાળવાનો ઉપાય કરે અને જો મનને ન જીતી શકે તો તેની શી ગતિ થાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યારે કૌરવને ને પાંડવને યુદ્ધ કરવાનો પ્રારંભ થયો ત્યારે કૌરવો ને પાંડવોએ વિચાર્યું જે, આપણે એવે ઠેકાણે યુદ્ધ કરીએ જે તે યુદ્ધમાં જે કોઈ મરે તોપણ તેના જીવનું રૂડું થાય એવું વિચારીને કુરુક્ષેત્રને વિષે યુદ્ધ કર્યું પછી જીત્યા તેનું પણ સારું થયું ને એ સંગ્રામમાં મરાણા તેને પણ દેવલોકની પ્રાપ્તિ થઈ ને રાજ્ય થકી પણ અધિક સુખને પામ્યા. તેમ જે મન સાથે લડાઈ આદરે અને જો મનને જીતે તો નિર્વિકલ્પ સ્થિતિને પામે ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય. (૩) અને જો મન આગળ હારે તોપણ યોગભ્રષ્ટ થાય તે પછી એક જન્મે અથવા બે જન્મે અથવા ઘણે જન્મે પણ અંતે જાતો એ એકાંતિક ભક્ત થાય, પણ એણે દાખડો કર્યો તે છૂટી ન પડે, માટે બુદ્ધિમાન હોય તેને તો પોતાના કલ્યાણને અર્થે મન સાથે જરૂર વૈર બાંધવું પછી એ મનને જીતશે તોપણ સારું છે ને એ મનથી હારશે તોપણ યોગભ્રષ્ટ થાશે તેમાં અંતે જાતાં સારું છે તે માટે કલ્યાણને ઇચ્છે તેને તો મન સાથે જરૂર વૈર બાંધવું. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૧।। (૨૦૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે જે ભક્તને અમારા આ પ્રત્યક્ષ મનુષ્યરૂપને વિષે દિવ્યભાવનો દૃઢ નિશ્ચય થાય તેના પ્રાણ લીન ન થયા હોય તોપણ સદા નિર્વિકલ્પ સમાધિ જ છે. અને એ ગુણથી પર એવો એકાંતિક ભક્ત છે. (૧) અને ધામને વિષે અમારું સ્વરૂપ કેવું હશે ? અને એ સ્વરૂપનું ક્યારે દર્શન થશે ? એવા વિકલ્પ રહે તેને સમાધિ હોય તોય સવિકલ્પ છે. (૨) બીજામાં અમારી આ પ્રત્યક્ષ મૂર્તિને વિષેથી મનુષ્યભાવના વિકલ્પને જીતે, અને પ્રતિમાને વિષેથી પ્રતિમાભાવના વિકલ્પને જીતે તો તેનું આ જન્મે જ કલ્યાણ થાય. (૩) અને વિકલ્પ ન જીતે તે યોગભ્રષ્ટ થાય, ને તેનું જન્માંતરે કલ્યાણ થાય છે. (૪) બાબતો છે.
૧ પ્ર. (૨/૪ બીજા પ્રશ્નમાં) યોગભ્રષ્ટનું એક-બે જન્મે કલ્યાણ કહ્યું અને (પ્ર. ૭૦ના ત્રીજા પ્રશ્નમાં) ફિકર ન રાખશો; અમે સહાય કરશું એમ કહ્યું તે કેમ સમજવું ?
૧ ઉ. આમાં જેને ભગવાનના મનુષ્ય સ્વરૂપને વિષે દિવ્યભાવ સમજવામાં ખામી રહે તેને જન્મ ધરવાનું કહ્યું છે, અને (પ્ર. ૭૦માં) શ્રીજીમહારાજની મનુષ્યરૂપ મૂર્તિને વિષે દિવ્યભાવ તો થયેલો હોય પણ પંચવિષય સંબંધી સંકલ્પ થતા હોય તેને કહ્યું છે જે, અમે સહાય કરશું કેમ જે તે સ્થૂળ દેહે કરીને પંચ વર્તમાન પાળે છે, અને વાસના ટાળ્યાના ઉપાયમાં મંડ્યો છે તેવામાં દેહ પડી જાય તો તેની ભગવાન રક્ષા કરે છે, અને જેને શ્રીજીમહારાજના મનુષ્ય સ્વરૂપને વિષે દિવ્યભાવ ન થયો હોય તેને તો જન્મ ધરીને એ અજ્ઞાન ટાળવું જોઈએ જ. ।।૧।।